નારાયણ દેસાઈ
લેખક
નારાયણ મહાદેવભાઈ દેસાઈ(જ. ૨૪ ડિસેમ્બર ૧૯૨૪) જેટલા ચરિત્ર-લેખક તરીકે જાણીતા છે એટલા જ, અનેક સ્થળે પ્રેરક અને રસપ્રદ ગાંધીકથા કહેનાર તરીકે જાણીતા છે. વેડછી(દ. ગુજ.)ના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય-ને પોતાનું કર્મસ્થાન બનાવીને એક શિક્ષક અને કાર્યકર-સંચાલક તરીકે મહત્ત્વની કામગીરી બજાવતા નારાયણભાઈએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ ગાંધીવિચાર-સંચારક તરીકે કામ કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ માટે સાહિત્ય અકાદેમી(દિલ્લી)ના ઍવોર્ડ સહિત ઘણા પારિતોષિકોથી સન્માન પામ્યા.
કેટલાક અનુવાદો તથા ‘મારું જીવન એ જ મારી વાણી’ (ગાંધીજી વિશે, ૪ ભાગમાં) અને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'(મહાદેવ દેસાઈ વિશે) જેવા બૃહદ અને મોટી બાથ ભીડતા ચરિત્ર-ગ્રંથો એમનું મહત્ત્વનું સાહિત્ય-કાર્ય તેમ જ જીવન-કાર્ય છે.
(પરિચય - રમણ સોની)