પ્રેમાનંદ
લેખક
કવિપરિચય : પ્રેમાનંદ
ઉત્તમ સર્જક સમયના કોઈપણ તબક્કે મળી આવે. એ રીતે પ્રેમાનંદ ૧૭મી સદીના એક પ્રતિભાવંત અને લોકપ્રિય ગુજરાતી સર્જક હતા.
એક કુશળ કથાકારની ને શબ્દમરમી કવિની એમ બેવડી શક્તિ એમનામાં હતી. કથન-પરંપરાનો ને પ્રાચીનકાવ્યો-કથાનકોની પરંપરાનો એમને પરિચયહતો. રજૂઆતની કળાની કોઠાસૂઝ પણ એમનામાં હતી. એક વ્યવસાયી કથાકાર તરીકે પોતાનાં આખ્યાનકાવ્યોને ગાયન-પઠન-અભિનયન એમ ત્રિવિધરીતે રજૂ કરતા પ્રેમાનંદ એમના ભાવિક-રસિક શ્રોતા-સમુદાયને કથા-કવિતાનું રસપાન કરાવતાં એમને દિવસો સુધી લીન કરી શકતા હશે. જે રીતે આજનીટીવી-શ્રેણીઓમાં એના આકર્ષક ઘટના-અંશો(એપિસોડ્ઝ) રસપ્રદ પ્રસંગ આગળ અટકે ને પછીનો કથા-અંશ જોવા પ્રેક્ષકોને બેતાબ કરે એવી કુશળ-રસિક કથનશૈલી પ્રેમાનંદની પણ હતી.
પરંતુ પ્રેમાનંદે આવું લોક-રંજન જ કરેલું એમ નથી, એક પરિપક્વ કવિ અને કલ્પનાશીલ કથનકલાકાર તરીકે પ્રાચીન કથા-ઘટનાઓનું સારસત્ત્વ ગ્રહણકરીને તથા પાત્રોનાં અંતરમાં ઊંડે ઊતરીને, પ્રસંગો-પરિસ્થિતિઓના ઝીણા મર્મો ઉઘાડીને, એમણે માનવ-ભાવનાની અને ઊર્મિની સૂક્ષ્મતાઓનો સ્પર્શપણ કરાવેલો છે. જે રીતે માનવજીવન-વ્યવહારનો એમને બહોળો પરિચય હોવાનું જણાય છે, એવી જ રીતે માનવમનનાં વિવિધ સ્તરોને જોઈ શકનારીસર્જકદૃષ્ટિ પણ એમનામાં હતી. એથી આજે આપણી વિકસિત સાહિત્ય-રુચિને પણ, પ્રેમાનંદનાં આખ્યાનો પ્રસન્ન ને પ્રભાવિત કરી શકે છે.
એમણે રચેલાં ઘણાં આખ્યાનોમાં ઓખાહરણ (રચના ૧૬૬૭), સુદામાચરિત્ર(૧૬૮૨), મામેરું(૧૬૮૩), અને નળાખ્યાન(૧૬૮૬) વિશેષ મહત્ત્વનાંછે.
–રમણ સોની