આધુનિક યુગ પછી ગુજરાતી કવિતામાં જે કેટલાંક મહત્ત્વના કવિ અવાજો આવ્યાં એમાં હરીશ મીનાશ્રુ મુખ્ય છે. હરીશ મીનાશ્રુ પાસેથી ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’ (૧૯૮૮), ‘સુનો ભાઈ સાધો’ (૧૯૯૯, ૨૦૧૧), ‘તાંબૂલ’ (૧૯૯૯, ૨૦૦૯), ‘તાંદુલ’ (૧૯૯૯, ૨૦૧૧), ‘પર્જન્યસૂક્ત’ (૧૯૯૯, ૨૦૧૧), ‘પદપ્રાંજલિ’ (૨૦૦૪, ૨૦૨૨), ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’ (૨૦૧૧), ‘બનારસ ડાયરી’ (૨૦૧૬), ‘નચિકેત સૂત્ર’ (૨૦૧૭), ‘કુંભલગઢ’ (૨૦૨૨) જેવા કાવ્યસંગ્રહો; ઉપરાંત ‘દેશાટન’, ‘હમ્પીના ખડકો’ અને ‘સન્નિધાન’ જેવાં કવિતા અનુવાદના પુસ્તકો પણ મળ્યાં છે. આમ જોઈએ તો હરીશ મીનાશ્રુ સાતત્યપૂર્વક કાવ્યસર્જન કરતાં રહ્યાં છે.
હરીશ મીનાશ્રુ કાવ્યસર્જનક્ષેત્રે પ્રવૃત્ત થાય છે એ સમયે ગુજરાતીમાં આધુનિકતા અને આધુનિક કવિઓનો દબદબો હતો. એ બધાની વચ્ચે પોતે નિજી મુદ્રા પ્રગટાવે છે એટલું જ નહીં, સંગ્રહે-સંગ્રહે વિષય-ભાષા અને અભિવ્યક્તિરીતિમાં પણ અવનવાં રૂપે વિલસતાં રહ્યાં છે...