Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

વિનોદ જોશીનાં કાવ્યો


વિભાગ : કવિતા

ગીત તો, પ્રાગ્-નરસિંહયુગની કવિતાથી ગુજરાતી કવિતામાં રચાતું ને ગવાતું આવ્યું છે. વિષય ભલે ભક્તિ કે અધ્યાત્મનો હોય, ભલે તે પદ, પ્રભાતિયું, કાફી, ગરબી કે અન્ય નામે સમયે સમયે ઓળખાતું આવ્યું હોય પણ હતું તો તે ગીત જ. મધ્યકાલીન ગુજરાતી પદો અને લોકગીતો વર્ષો સુધી એકબીજાને ઘડતાં ચાલ્યાં ને એમાંથી ગીતનું ભાવમંડિત કલેવર ધડાઈ આવ્યું. અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભથી નવાં બળોને નિરૂપવા દલપત-નર્મદે ગીતના સ્વરૂપને અજમાવ્યું ને એમ ગુજરાતી ગીત વિકસતું ચાલ્યું. ત્યારથી તે આજ સુધી તે માત્ર જીવંત જ નથી રહ્યું, જુવાન રહ્યું છે, એની યૌવનશ્રી ખીલતી રહી છે. પ્રાચીનકાળથી ગુજરાતી સાહિત્ય ગીતથી ધબકી રહ્યું છે. અનેક કંઠો, કવિકલમો દ્વારા ગુજરાતી ગીત શણગારાતું રહ્યું, સંવારાતું રહ્યું, વિધ વિધ રીતે ખૂલતું ને ખીલતું રહ્યું. ગુજરાતીમાં દરેક જમાનાને એનું રસસિદ્ધ ગીત મળતું રહ્યું છે. એટલે ગીતકવિ તરીકે આપણે રમેશ પારેખને વખાણીએ, અનિલ જોશીના ગીતકાર લેખે ગુણ ગાઈએ કે વિનોદ જોશીની ગીતકવિતા પર વારી જઈએ; પણ ખરી વાત એ છે કે એમની પ્રતિભાને પ્રગટાવવા, ઉછેરવા, શણગારવા ને ઉન્નત કરવામાં સદીઓથી રચાતી, ગવાતી અને પ્રસારતી આવતી ગુજરાતી ગીતકવિતાની સમૃદ્ધ વિરાસતની મોટી ભૂમિકા રહી છે. રમેશ પારેખે સોરઠની સમૃદ્ધ લોકકવિતા અને આપણી શિષ્ટ સાહિત્યિક ગીતકવિતાના વારસાને ભલે અભાન રીતે પણ પચાવ્યાં ન હોત તો તેમની કલમે આટલી કળાયેલ ગીતકવિતા ભાગ્યે જ અવતરી હોત! વળી, વિનોદ જોશીને તો રમેશ પારેખની ગીતકવિતાનો વારસો મળ્યો. વધારામાં તેઓ ગુજરાતી સાહિત્યને ભણ્યા ને સમયાંતરે હિન્દના અને વિશ્વના કવિઓની કવિતા વાંચતા થયા. એક અધ્યાપક લેખે તો ગુજરાતી કવિતા એમને ભણાવવાની આવી. એથી ગીતકવિતાના અભ્યાસ-અધ્યયનમાં ઊંડા ઊતરતા ગયા. એ રીતે આપણી ગુજરાતી ગીતકવિતાને તેના વારસાસંદર્ભે તેમણે તોલી-મૂલવી જોઈ હોય. એમાં ગોહિલવાડની ભૂમિ-પ્રકૃતિ, લોકજીવન અને બોલીના સંસ્કારની સમૃદ્ધિ ભળી હશે, પિતૃદત્ત-માતૃદત્ત સંસ્કારો લેખે લાગ્યા હશે, સામ્પ્રત પરિબળોમાંથી ય બળ મળ્યું હશે અને કવિ થવાની ઇચ્છાશક્તિએ પણ ભાગ ભજવ્યો હશે – આ બધાનો ફાળો તેમને ગીતકવિ તરીકે પ્રગટાવવામાં લેખે લાગ્યો છે. ક્યારેક તો અભાનપણે પણ કવિ ઘડાતો જતો હોય છે. આ બધી આપણે શક્યતાઓની વાત કરી, પણ હકીકત એ છે કે વિનોદ જોશી કવિ છે અને ગુજરાતી કવિતામાં ને વિશેષતઃ ગીતકવિતામાં તેમનો સિક્કો બરાબર ચાલ્યો છે. વિનોદ જોશીની પહેલી વિશેષતા, ભાવકપ્રિયતા અને પ્રસિદ્ધિ તે ગીતકવિ લેખેની છે. એ ઉપરાંત તેમની કવિપ્રતિભા ગુજરાતી કવિતામાં વિધ વિધ ક્ષેત્રે પ્રવર્તેલી છે, પ્રવર્તી રહી છે. કવિ વિનોદ જોશીના ગીતોમાંથી પસાર થતાં લાગે છે કે તેઓ એમના સમકાલીન ગીતકવિઓ કરતાં સંકુલ ભાવોના આલેખનમાં એવી રીતે પ્રગટે છે કે ભાવક ભાવને તો પ્રમાણે પણ એની સમજૂતી આપવા એને થોડુંક ઝૂઝવું પડે એમ છે. વળી, બીજી છાપ એમનાં ગીતોની એ પડે છે કે ગુજરાતી ન જાણતો ભાવક પણ ગીતોનું સહી પઠન સાંભળે તો ડોલ્યા વિના એ રહે નહિ. એટલે કે એવા ભાવક પર પણ કવિના ગીતના નાદલયની અસર તો તત્કાળ થઈ રહે છે...

અન્ય પુસ્તકો