શ્રી રવિશંકર રાવળે તેમના જીવનની કથા ‘આત્મકથાનક’ રૂપે 'કુમાર'માં બે ભાગમાં પ્રગટ કરેલી.
એ જમાનામાં બીજી આત્મકથાઓ પ્રગટ થઈ હતી જેમકે ગાંધીજીના સત્યના પ્રયોગો. ઇન્દુકાકાનું જીવન, કાકા કાલેલકરની સ્મરણયાત્રા પણ તે સચિત્ર નથી. જ્યારે એક કલાકાર થવા મથતો મધ્યમ વર્ગનો યુવાન પોતાનું જીવન આલેખવા સાથે તત્કાલીન સમાજનું દર્શન કરાવે છે અને એના પાને પાને ચિત્રો દોરે છે. ત્યાર પછી આવી સચિત્ર આત્મકથા લખાઈ નથી.
‘આત્મકથાનક’ના બીજા ભાગમાં હાજી મહંમદ અલારખીયા ને 'વીસમી સદી'ની વાત આવે છે. હાજીની સુખદુઃખની સાથાદારીમાંથી રવિભાઈ ઘડાય છે અને પછી અમદાવાદ આવતાં રવિભાઈ 'કુમાર' પ્રગટ કરે છે. જેનું ઉદ્ઘાટન બંગાળી વિદ્વાન ઓસી ગાંગુલીને હાથે થાય છે.
તે અરસામાં મહારાષ્ટ્રમાં અજંતાની ગુફાઓ મળે છે અને રવિભાઈ મહિનાઓ સુધી ત્યાં પડાવ નાખે છે. એમાં મળેલાં ચિત્રો અને અજંતાની વાત કુમાર દ્વારા રવિભાઈ પ્રગટ કરે છે. તે સાથે ડૉ. કુનીંગ હામ અજંતામાં મળે છે જે સમયાંતર રવિભાઈને ત્યાં આવે છે.
રવિભાઈ પોટ્રેઈટ કરે છે. પૈસા પાત્ર થાય છે અને પાલડીમાં ‘ચિત્રકૂટ’ નામે ભવ્ય મકાન કરે છે અને તેમાં ગુજરાતની પ્રથમ કલાશાળા થાય છે. જેનું નામ ‘ગુજરાત કલાસંગ’ જે વિનામૂલ્યે કલાનું શિક્ષણ આપે છે. તેમાં રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જયંતીલાલ ઝવેરી, છગનલાલ જાદવ, જગન મહેતા, દાંડીયાત્રાનો ફોટો પાડનાર બલવંત ભટ્ટ, ચકોર, ચંદ્ર ત્રિવેદી જેવા ચિત્રકારો તૈયાર થઈ ગુજરાતમાં કલાનો પ્રવાહ ઊભો કરે છે. અહીં શ્રી રવિશંકર રાવળ સૌના પિતાસ્થાને રહે છે. અને અહીંથી જ ગુજરાતમાં કલામાં પગરણ થાય છે.
રવિભાઈ ગુજરાતની કલાના પુરોધા બને છે. ગુજરાતમાં ભારતના અગ્રગણ્ય કલાકારો આવે છે. તેમને અમદાવાદના ટાઉનહોલમાં મહેમાન બનાવી જનતાને લાભ આપે છે. આ જોતાં રવિભાઈની આત્મકથાનક ફરી પ્રગટ કરવાના સમયે શ્રી અમીતભાઈ અને અનીલ રેલીઆ નવા ૪૦૦ પાનના પુસ્તકને ‘ગુજરાતમાં કલાનાં પગરણ’નું નામ આપે છે. ગુજરાતમાં, ગુજરાત લલિતકલા તેના નવા મકાનને રવિશંકર રાવળ ગેલેરી નામ આપી રવિભાઈને સન્માને છે. રવિભાઈ વ્યક્તિ મટી કલાના દૂત બને છે.
નટુભાઈ પરીખ