ગુજરાતના કલા વિકાસની સાથે જે કેટલાંક નામો ઓતપ્રોત થઇ ગયાં છે, એમ કહીએ કે ગુજરાતની કલાનો વિકાસ જ એમનો ઋણી છે એવા કલાકારોમાં કનુ દેસાઈનું નામ મોખરે છે. કલાના ક્ષેત્રમાં તેમણે ગુજરાતને એક અનોખી શાન બક્ષી છે. ગુજરાતના લગભગ ઘરે ઘરમાં એમની કલાનો સીધો કે આડકતરો પ્રભાવ રહ્યો છે. અડધીસદીથી યે વધુ વર્ષો સુધીની અસ્ખલિત કલાસાધના ૮મી ડિસેમ્બર ૧૯૮૦માં ૭૩ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં એમનું અવસાન થયું, ત્યાં સુધી જારી હતી.
તેમનો જન્મ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં ઈસવીસન ૧૯૦૭ની બારમી માર્ચે અમદાવાદમાં થયો હતો. ચિત્રકલાને મૂફલિસી નોતરવા બરાબર ગણતા મામાથી છાના છાના રાતે રાતે ચીતરવાની ચેળ ભાગવાથી માંડીને પછી એ અરસામાં મુંબઈથી આવીને અમદાવાદમાં સ્થાયી થયેલા કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી ચિત્રકલાના આરંભિક પાઠ ભણીને એમણે મૌલિકતા દાખવવાનો આરંભ કર્યો. વિદ્યાપીઠમાં એમની કલા શક્તિ જોઈ આચાર્ય કૃપલાનીએ એમને શાંતિનિકેતન જવાની સગવડ કરી આપી ને કનુભાઈએ નંદબાબુ જેવા કલાગુરુ પાસે દીક્ષા લીધી. અહીં તેઓ ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો સંસ્કાર પામ્યા અને પ્રત્યેક વસ્તુને સર્જનમાં ભારતીય સ્પર્શની કલામયતા દાખવવાની તેમની વિશિષ્ટ દ્રષ્ટિ ખીલી ઊઠી. ચિત્રકળા ઉપરાંત સંગીત, નૃત્ય અને નાટક વગેરેમાં પણ તેમની અભિરૂચી અને દ્રષ્ટિ કેળવાઈ હતી.
શાંતિનિકેતનથી પાછા ફર્યા બાદ પૂર્વ શરત પ્રમાણે ત્રણ વર્ષ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં ચિત્રકલાના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. દરમિયાન ૧૯૨૯માં સત્તર છાયાચિત્રનો એમનો પ્રથમ ચિત્ર સંપૂર્ણ પ્રગટ થયો. અવનવાં સંયોજનો પશ્ચાદભૂમાં વિષય અનુરૂપ અન્ય રંગ આલેખન દ્વારા કનુ દેસાઇએ છાયા ચિત્રોની કલાને પણ આગવી રીતે બહેલાવી હતી.
ગાંધીજીની દાંડી યાત્રામાં પણ તેઓ જોડાયેલા. એ યાત્રાની દસ્તાવેજી નોંધોની સ્મૃતિ પરથી તેમણે ભારત પૂણ્ય પ્રવાસ નામે દાંડીયાત્રાનો સંપુટ પ્રગટ કર્યો. ગાંધીજી અને સ્વાતંત્ર્ય માટે લડતા દેશના પ્રયાસો દ્વારા રચાતા ઇતિહાસને દેશભરમાં એક માત્ર કનુભાઈએ વ્યાપક રૂપે ચિત્રો અંકિત કર્યા છે. ઈસવીસન ૧૯૩૧માં તેમણે મહાત્મા ગાંધી નામે એમના ચિત્રો પ્રગટ કરેલા.
પછી તો એમણે શુદ્ધ ભારતીય ભાવનાઓ અને ગુજરાતની અસ્મિતાના સ્પર્શ સાથે પોતાનાં કલ્પના પ્રચૂર ચિત્રો દ્વારા એમણે એનું કાવ્યમય સુંદર સ્વરૂપ પ્રસાર્યુ. ભાવના, કલ્પના કે સર્જનના પ્રમાણમાં અન્ય કોઈ ગુજરાતી કલાકાર એમને આંબી શક્યો નથી. એમનું ચિત્ર પ્રદર્શન બીજા બધા કરતાં તદ્દન અનોખું જ રહેતું. જીવનના અતિ સામાન્ય પ્રસંગોમાંથી પણ કદી કોઈને ન સ્ફૂરે એવું કઈક નવું એમણે કરી બતાવ્યું હતું.
પ્રમાણબધ્ધ ચિત્ર સંયોજન અને ગુઢ છતાં મનોહારી રંગ દર્શન કરાવે તેવી એમની ઉછળતી ભાવોર્મિઓ હંમેશા પ્રણાલીગત વહેણો કરતાં સ્વતંત્ર અને નવા જ માર્ગે વહેતી જણાય છે. માત્ર ચિત્ર સર્જનો જ નહીં એમણે તો નંદબાબુસાથે હરીપુરા કોંગ્રેસનું શોભન કાર્ય પણ કરેલું. પૂર્ણિમા, ભરત મિલાપ, રામરાજ્ય, મીરા અને વ્હી. શાંતારામની ફિલ્મોમાં તેમણે કલા નિર્દેશન પણ કરેલું. ગીત ગોવિંદ નામની એક ફિલ્મ પોતે પણ બનાવી હતી. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું તે પછી ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં કનુભાઈએ માત્ર ગણતરીના દિવસોમાં જ ગુજરાતનું જે દર્શન કરાવ્યું એ પણ મોટી સિદ્ધિ હતી. ૧૯૬૪માં ન્યૂયોર્કમાં નિકોલસ રોરીક મ્યુઝિયમમાં પણ એમણે પોતાના ચિત્રો પ્રદર્શિત કરેલા. ગાંધી જન્મ શતાબ્દી સમયે ગાંધીજીની જીવન કથા વર્ણવતી ૧૬ ડબ્બાની બે આખી ટ્રેન તેમણે તૈયાર કરી આપી હતી.
ઈસવીસન ૧૯૩૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૬૫માં ગુજરાત સરકારે કરેલા તેમના સન્માન ઉપરાંત અનેક માન-સન્માનોથી તેઓ વિભૂષિત હતા. પુસ્તકોના લગભગ પાંચેક હજાર જેટલાં કથાચિત્રો, સુશોભનો અને આવરણો, ૩૦ ચિત્ર સંપૂટો, ૫૫ થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન, લગ્ન પત્રિકાઓ ને આમંત્રણપત્રો વગેરે જેવા નાના મોટા સેંકડો કલામય નમૂનાઓ વગેરેમાં એમની કલાના અતિ વિસ્તૃત વ્યાપ વડે તેમણે જનસમાજને કલાભિમુખ બનાવ્યો એ એમનું ગૌરવવંતું યોગદાન છે.
ગુજરાતની અસ્મિતાની કૂચમાં ગુજરાતની કલાનો ઝળહળતો ધ્વજ પણ ફરકે છે અને બહાર પણ તેની ધૃતિ પ્રસરી રહી છે. એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ હંમેશા અગ્રગણ્ય રહેશે.
રંગ રેખાના કલાધર શ્રી કનુ દેસાઈ વિશેનું આ પુસ્તક, તેમાંની સામગ્રી અને ચિત્ર કૃતિઓ આવનારી પેઢીને પ્રેરણા પૂરી પાડશે.
કનુ પટેલ