૧૯૮૦ પછી ગુજરાતી વાર્તામાં અનુઆધુનિક વાર્તાના નામે જે પરિવર્તનો આવ્યા તેમાં શ્રી મોહન પરમારની ભૂમિકા અતિ મહત્ત્વની છે. હું એમના સાતેસાત વાર્તાસંગ્રહમાંથી પસાર થયો છું. પીએચ.ડી. કરતી વખતે જેટલા સંગ્રહો પ્રગટ થયેલા તેનો મેં સમજપૂર્વક અભ્યાસ કરેલો. શ્રી માય ડિયર જયુએ ૨૦૦૫માં ‘મોહન પરમારની વાર્તાસૃષ્ટિ’નાં સંપાદકીય લેખમાં એવું નોંધેલું કે ઉપર્યુક્ત સાતે સંગ્રહોમાંની સીત્તેરેક વાર્તાઓમાંથી કેટલીક નીવડેલી વાર્તાઓને નજર સામે રાખીને મોહન પરમારની વાર્તાકળાના વિશેષો તારવવાનો અહીં ઉપક્રમ છે. એમ કહીએ છીએ ત્યારે એમ નોંધવું જોઈએ કે આ સમયગાળામાં વધુમાં વધુ પ્રભાવક વાર્તાઓ મોહન પરમાર પાસેથી જ મળી છે. ચાર વાર્તાસંગ્રહો એટલે ‘કોલાહલ’, ‘નકલંક’, ‘કુંભી’ અને ‘પોઠ’. આ ચાર સંગ્રહોમાં એટલી બધી ઉત્તમ વાર્તાઓ નીવડી આવી છે કે માય ડિયર જયુના સંપાદન પછી બીજા જ વર્ષે રાધેશ્યામ શર્માએ ‘મોહન પરમારની પ્રતિનિધિ વાર્તાઓ’નું સંપાદન કરેલું. તેમાં ઈલા નાયકનો લેખ ‘મોહન પરમાર : એક બલિષ્ઠ વાર્તાકાર’ મોહન પરમારની યશકલગીમાં મોટું ઉમેરણ ગણી શકાય. આ લેખમાં એમણે નોંધ્યું છે કે તેમના ચાર વાર્તાસંગ્રહોનોે અભ્યાસ કરતાં જણાય છે કે તેમણે સંખ્યાબંધ ઉત્તમ વાર્તાઓ આપી છે. ‘નકલંક’, ‘આંધુ’, ‘રેચબો’, ‘ચૂવો’, ‘કોહ’, ‘જળાશય’, ‘આડમ્બર’, ‘વાડો’, ‘હિરવણું’, ‘વાયક’, ‘ધૂરી’, ‘તેતર’, ‘છીંડું’, ‘થળી’, ‘વેઠિયા’, ‘કુંભી’, ‘મંડપ’, ‘કળણ’, ‘તટવર્તી’, ‘પટરાણી’, ‘ભાગોળ’, ‘વાવ’, ‘ખળી’, ‘રઢ’, ‘લાગ’, ‘પોઠ’ ચિરંજીવ બની રહે તેવી વાર્તાઓ છે. આ તો ચાર સંગ્રહની છવ્વીસ વાર્તાઓનો ઉલ્લેખ થયો તે પછી ૨૦૦૮માં પ્રગટ થયેલા ‘અંચળો’ સંગ્રહમાંથી ‘અંચળો’, ‘સમથળ’, ‘ભ્રમણા’, ‘હેડકી’, ‘પડળ’, ‘ઉચાટ’, ‘ઘોડાર’, ‘ટોડલો’, ‘વરસાદ’, ‘કાયાપલટ’, ‘નાથટેકરી’ જેવી અગિયાર ઉત્તમ વાર્તાઓ મળે છે. તો છઠ્ઠા વાર્તાસંગ્રહ ‘હણહણાટી’માંથી ‘દેરી’, ‘જાળું’, ‘સોનકીડી’, ‘નજર’, ‘ઇચ્છનિદ્રા’, ‘શ્યામજી-ઘનશ્યામજી’, ‘હણહણાટી’ જેવી સાતેક ઉત્તમ વાર્તાઓ ઉપલબ્ધ થઈ છે. ૨૦૨૧માં પ્રગટ થયેલા ‘અચરજ’ સંગ્રહમાંથી ‘ખાડ’, ‘ગમાણ’, ‘જગતિયું’, ‘અચરજ’, ‘ખળું’, ‘ધૂળ’, ‘જન્માન્તર’ અને ‘અડચણ’ જેવી આઠેક ઉત્તમ વાર્તાઓ મળે છે. આમ સાતેય સંગ્રહની વાર્તાઓનો ઉત્તમ વાર્તાઆંક બાવન જેટલો થવા જાય છે. એકસો સત્તર વાર્તાઓમાંથી બાવન જેટલી વાર્તાઓ ઉત્તમ નીવડી આવે ત્યારે આવા વાર્તાકારને અનુઆધુનિક સ્થિત્યંતરના અત્યંત મહત્ત્વના વાર્તાકાર કહેવામાં મને જરાય સંકોચ નથી. ભરત મહેતા જેવા વિવેચક મોહન પરમારને ‘કેવળ મહત્ત્વના ગુજરાતી વાર્તાકાર જ નહિ, પણ ઉચ્ચ કોટિના ભારતીય વાર્તાકાર છે’ એમ કહીને પ્રમાણે છે, તે ઉચિત છે. એટલે જ કિરીટ દૂધાત કહે છે : ‘સફળ ટૂંકી વાર્તાના જે લક્ષણો વિદ્વાનોએ મોહન પરમારની વાર્તાઓને ઉલટભેર પોંખી છે.’...