‘વાસ્તુ’ના ઇ-પ્રકાશન નિમિત્તે
ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનરામ ત્રિપાઠી તથા ઘનશ્યામદાસ શરાફ પુરસ્કાર વિજેતા, કૅન્સર વિષયક નવલકથા ‘વાસ્તુ’ના ઈ-પ્રકાશન નિમિત્તે થોડી વાત –
‘શ્રેષ્ઠ અનિરુદ્ધ’માં યોગેશ જોષીએ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિશે ‘એમ તો હું મચક આપું એવો નથી’ શીર્ષકથી હૃદયસ્પર્શી લેખ કર્યો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના અંતિમ વર્ષોમાં યોગેશ જોષી એમની નજીક હતા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લ્યુકેમિયા (બ્લડ કૅન્સર) રોગ થયેલો ને કૅન્સર સામે, મરણ સામે તેઓ ઝઝૂમેલા. એ બધું યોગેશે નિકટથી જોયેલું. એ વેદના યોગેશની સર્જકચેતનામાં ઊતરી હશે.
‘વાસ્તુ’ના નાયક સંજયને લ્યુકેમિયા છે. એ આ રોગ સામે સ્વસ્થ રહીને ઝઝૂમે છે, મરણને હંફાવે છે, મચક આપતો નથી, હતાશા-નિરાશામાં સરતો નથી, રોદણાં રોતો નથી, બુદ્ધિપૂર્વક, સમજપૂર્વક જીવે છે. એ સમયે કૅન્સરનાં દરદી ભાગ્યે જ બચતાં. અત્યારે અદ્યતન સારવારથી કૅન્સરનાં મોટા ભાગનાં દરદી મોતના મુખમાંથી બહાર આવી સ્વસ્થ જીવન જીવે છે.
પરકાયા પ્રવેશ એ આ લેખકની તાકાત છે. કૅન્સરગ્રસ્ત નાયકમાં આ લેખક પરકાયા પ્રવેશ કરી શક્યા છે. આથી મૃત્યુનાં સંવેદનો આ નવલકથામાં તીવ્રતાથી વ્યક્ત થાય છે. એ માટેનું કવિકર્મ જેવું એમનું ભાષાકર્મ ધ્યાનાર્હ છે. મૃત્યુ વિશેનું ચિંતન, દર્શન વ્યક્ત કરવામાં લેખક સફળ થયા છે. અસાધ્ય રોગથી પીડાતા દરદીઓ આ નવલકથામાં જાણે પોતાની જ વાત હોય એવું તાદાત્મ્ય અનુભવે છે.
‘શબ્દસૃષ્ટિ’માં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે શ્રી મનસુખ સલ્લાએ યોગેશને લખેલા પત્રમાં નોંધ્યું છે —
“...તમે પરિવેશ સર્જવામાં અને મૃત્યુના કરાલ-મધુર રૂપને તથા મૃત્યુ સામે ઝઝૂમતા નાયકને શબ્દરૂપ આપવામાં સફળ થયા છો. હારવું નહિ, ઝૂઝવું એ મનુષ્યના ગૌરવને પ્રગટ કરે છે – ગ્રીક નાયકોની જેમ.
તમારી ભાષા આવા નાજુક વિષયને અનુકૂળ એવી સૂક્ષ્મતા અને સૂચકતા સિદ્ધ કરી શકી છે.”
કૅન્સરના દરદીઓને હતાશ-નિરાશાથી ભાંગી પડવાને બદલે, કૅન્સર સામે ઝઝૂમીને, કૅન્સરને હરાવવાની પ્રેરણા આ નવલકથામાંથી મળશે એવી આશા છે. ડૉક્ટર પણ દરદીને આ નવલકથાનું વાંચન સૂચવી શકે.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)