રવીન્દ્રનાથ વિજ્ઞાન વિશે પુસ્તક લખે તે વાત જ સામાન્ય વાચકને માનવી અઘરી લાગે તેવી છે. પરંતુ તેમની આત્મકથામાં તેમણે વિજ્ઞાન શિક્ષક સાથે કરેલા વિજ્ઞાનના પ્રયોગોની તેમ જ તેમના પિતા સાથે હિમાલયના પ્રવાસ દરમિયાન મળેલા ખગોળશાસ્ત્રના જ્ઞાનની વાત કરી છે. તે ઉપરથી ખ્યાલ આવે કે રવીન્દ્રનાથને વિજ્ઞાનમાં કેટલો રસ હતો. ૧૯૩૭માં લખાયેલા આ બંગાળી પુસ્તકમાં સાદી ભાષામાં વિજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન થયો છે. પણ તેમાં અપાયેલી માહિતી સંપૂર્ણ અને અદ્યતન હતી. ઉદાહરણ તરીકે ૧૯૩૨માં શોધાયેલા પોઝીટ્રોન વિશે પણ રવીન્દ્રનાથ વાત કરે છે![1] નગીનદાસ પારેખે ૧૯૪૪માં કરેલા અનુવાદથી ગુજરાતીમાં ઉપલબ્ધ વિજ્ઞાનની પુસ્તક સમૃદ્ધિમાં ઉમેરો થયો હશે. આ પુસ્તકની પ્રસ્તાવના પોપટલાલ ગોવિંદલાલ શાહે લખી છે જે પછીના બંને પુસ્તકો સાથે સંકળાયેલા છે.
[1] ‘વિશ્વ-ભારતી ૧૯૨૧-૨૦૨૧: એ વિઝન બીટ્રેડ’, સુશાંત દત્તગુપ્ત, થીમા, કોલક્તા, ૨૦૨૨, પા. ૩૦