આ કેમ લખાયું?
‘નાટક દુનિયાનું દર્પણ રૂડું,
ગુણ-દોષ જોવાનું.’
[સ્વ. સાક્ષર શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીના ગીતની એક લીટી]
આ સત્યને સ્વીકારીને હું તો જ સુધીની મારી જિંદગીને રંગભૂમિ દ્વારા ઘડી રહ્યો છું. ભિન્નભિન્ન પ્રકારના અનેક પાત્રો મેં ભજવ્યા અને અનેકાનેક, એકથી એક ચઢિયાતા નટોને નિહાળ્યા. રોજિંદા જિવાતા બહારની દુનિયાના વાતાવરણમાંથી મારી અંદરની દુનિયાનો નટ કંઈ ને કંઈ જાણે-અજાણે મેળવતો ગયો, શીખતો ગયો.
અને આમ ચાર દાયકા ઉપરની રંગભૂમિની રંગીનતા હૃદયના ખૂણેખૂણામાં પોતાના રંગો પાથરતી ગઈ અને તખ્તાનાં એ અલૌકિક ચિત્રે સમગ્ર ચિત્ત-તંત્રની સ્પંદનોને જગાવ્યાં. આમ જોઈએ તે હું કંઈ એકલો જ રંગભૂમિનો કલાકાર નથી. જેની સામે માથું ઝુકાવી દેવાનું મન થાય એવા અનેક મહાન, લોકપ્રિયતાને વરેલા નટવર્ષની મોટી વણઝારમાં હું તે માત્ર એક નાનકડા પ્રવાસી જેવો જ છું.
જૂની રંગભૂમિની દુનિયાને મારા કરતાં પણ વધુ સારી રીતે સમજનાર, જોનાર-ઘણાયે કલાકારો થઈ ગયા એમાંના ઘણાખરાએ પોતાના અનુભવનો ઇતિહાસ પણ ક્યાંક થોડાં થોડાં પુસ્તકમાં, માસિક યા તો અઠવાડિકોમાં જનતાને જાણવા માટે લખી છે; લખે પણ છે.
એટલે ક્ષોભ–સંકોચ સાથે નિખાલસભાવે જણાવું તો આ મારા ચાર-પાંચ દાયકાના નાટકની દુનિયાના અનુભવો લખી તેને છપાવવી સુધીની લાગણી થાય, તે પહેલાં મારું ભણતર જોતાં મને એ અનધિકૃત ચેષ્ટા જેવી વાત લાગતી. એટલે, બે ત્રણ દાયકા પહેલાં અને ત્યારપછી મુંબઈના તેમજ સૌરાષ્ટ્રના ચોક્કસ સમાચારપત્રમાં તેઓના સંચાલકની આજ્ઞાને આધીન થઈ કયારેક થોડા થોડા અનુભવેલા, સાંભળેલા, રંગભૂમિના સારા-માઠા પ્રસંગે તેમાં લખી આપતો, ત્યારે પણ એ જ ક્ષોભ અનુભવતો...
અમૃત જાની