Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

આત્મનિરીક્ષણ


ઝવેરચંદ મેઘાણીએ આત્મકથા લખી નથી. એ વિષય પરના એમના વિચાર એમણે આ પ્રમાણે દર્શાવેલા :

“મારી જીવનસ્મૃતિ લખું તો parody જેવું બને. જીવનનું ઘણું ઘણું સ્મરવાને બદલે વીસરવા યોગ્ય હોય છે. નબળાં જીવનતત્ત્વોને હિંમતભેર તેમ જ આત્મશ્રદ્ધાભેર મૂકવાની શર્તને આત્મસ્મૃતિનું સાહિત્ય અવલ દરજ્જે માગી લ્યે છે. એમાં 99.9[%] પાલવે નહિ. પૂરા સો ટકા ખપે. જીવનકથા લખવાની મારી હામ નથી. એવી છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર નથી.”

આત્મકથા ન લખવાની આમ દર્શાવેલી ઇચ્છા છતાં એમનાં લખાણો અને પત્રોમાં પોતાના જીવન વિશેનાં છૂટાંછવાયાં ઉલ્લેખો અને આત્મનિરીક્ષણ ઘણાં જોવાં મળે છે. એ બધાંનું બૃહદ્‌ સંકલન હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી સંપાદિત ‘અંતર-છબિ’માં મળશે. મેઘાણીના જીવન વિશે વિસ્તારથી જાણવામાં રસ ધરાવતાં વાચકોને માટે ‘અંતર-છબિ’ એક ઉત્તમ ગ્રંથ બની રહે છે. એ વાંચનારાંને એથી વધારે માહિતી બીજે ક્યાંયથી મળવાનો સંભવ બહુ જ ઓછો છે.

મેઘાણીનાં એવાં લખાણોમાંથી ચૂંટી-ટૂંકાવીને એક નાનકડું, ઇન્ટરનેટ પર વાંચી શકાય એવું, આત્મકથાલક્ષી સંકલન આપવાનો આ પુસ્તિકાનો ઉદ્દેશ છે. ‘અંતર-છબિ’નો આ સંક્ષેપ નથી. મૂળ પત્રો અને લખાણોની વિપુલ સામગ્રીને આધારે એક નાનકડું સંકલન તૈયાર કરવાનો આ સ્વતંત્ર પ્રયાસ છે. ‘એમના જ શબ્દોમાં’ મૂકવાના આગ્રહને લીધે એમના જીવનના શરૂઆતના તબક્કાઓ વિષેની માહિતી બહુ જ ઓછી આ સંકલનમાં મળે છે. 

સંક્ષેપવામાં મૂળ લખાણોમાંનાં શબ્દો અને આખાં વાક્યોને રદ કરવા, ક્યાંક ક્રમ-બદલી અને જોડણીફેર કરવા સિવાય બીજી કોઈ જ છૂટછાટ લીધી નથી. જરૂર લાગી ત્યાં સંદર્ભ આપવા માટે ચોખંડા કૌંસ[]માં વધારાની માહિતી મૂકી છે. ઘણાં પત્રો-લખાણોમાં લેખકે વાપરેલ વર્તમાનકાળ આ સંકલનમાં એમ ને એમ જ રાખ્યો છે. મેઘાણીના જીવનની સંક્ષિપ્ત તવારીખ અને એમનાં પુસ્તકોનો ક્રમવાર પ્રકાશન-ઇતિહાસ પણ એમની લેખન-કારકિર્દી પર પ્રકાશ ફેંકે એ માન્યતાથી આ સંકલનના પરિશિષ્ટમાં મૂક્યાં છે.

આ સંકલન ઝીણવટથી જોઈ જઈને સૂચનો આપવા બદલ મહેન્દ્ર મેઘાણી, જયંત મેઘાણી અને અશોક વિદ્વાંસનો હું ઋણી છું.

જેમને બહુ જ વહેલા ખોયા એ વહાલસોયા પિતાની તો મુખરેખાનો પણ મને અણસાર નથી. આ અને બીજાં સંકલનો મારફત એમની જે ઓળખાણ મળે છે એ મને પડેલી ખોટની વધારે તીવ્ર પ્રતીતિ કરાવે છે.

— અશોક મેઘાણી

અન્ય પુસ્તકો