આ સંગ્રહના લેખો બે કારણે અનોખા છે. એક, કરમશીભાઈની વિષય-પસંદગીના ઉચ્ચ લક્ષ્યો અને બે, એમણે કરેલા અનુવાદોમાં ભાષાની પ્રવાહિતાને લીધે ઊભરતી વાચનક્ષમતા. એક લેખકના અનેક લેખકો દ્વારા થયેલા કે અનેક લેખકોના અનેક લેખકો દ્વારા થયેલા નહીં પરંતુ અનેક લેખકોના એક જ લેખક દ્વારા થયેલા અનુવાદોને પ્રકાશિત કરવાનો ક્ષિતિજ માટે પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે. અનુક્રમણિકા પર નજર કરતાં વિષયોની વિવિધતા અને વ્યાપકતા આપણું ધ્યાન ખેંચે છે. કળા-સિનેમા, ચિત્રકળા, સાહિત્ય, ફિલસૂફી કે એના સિદ્ધાંતોની ચર્ચા હોય, જે તે ક્ષેત્રમાં જેમનું વીસમી સદી પર પ્રખર અને પ્રભાવક પ્રદાન રહ્યું છે એવા નામાંકિત કળાકારો-વિદ્વાનો ઉપર એમની પસંદગી ઉતરી છે. આ પસંદગી એમની ઊંડી સૂઝ અને સૂક્ષ્મ સમજની દ્યોતક છે ! ક્યાંક ક્યાંક તો ટેક્નિકલ પરિભાષા અને વિષયની ગહનતા કોઈપણ અનુવાદકને હંફાવે એવી છે પણ આ અનુવાદો એ કસોટીમાંથી સુપેરે પાર પડી એ વાચનક્ષમતા જાળવી રાખે છે. અનુવાદિત ભાષામાં જ મૂળ લખાણ લખાયું હોય એવો અનુભવ વાચકને જ્યારે થાય ત્યારે તે ઉત્તમ કોટિનો અનુવાદ, એવી પરખવાની સાદી રીત છે અને એની પ્રતીતિ આ લેખોમાં સહૃદય ભાવકને વારંવાર થઈ છે એ નિઃશંક છે.
— કમલ વોરા – નૌશિલ મહેતા