ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં – ૧૯૬૦થી ૧૯૮૫ સુધી આધુનિક સાહિત્યનો પ્રભાવ રહ્યો. એમાં ઘણાં સાહિત્યસ્વરૂપોમાં નોંધપાત્ર સર્જન થયું. મણિલાલ હ. પટેલનું સર્જન એમાં આરંભાયું પહેલાં કાવ્ય અને પછી નિબંધ. આજે તો લગભગ ચાર દાયકાથી સર્જનરત એવા મણિલાલ હ. પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં સ્થિર થયેલું છે. એમણે કાવ્ય, નિબંધ, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્રસાહિત્ય, આત્મકથા એમ એકાધિક સાહિત્ય સ્વરૂપોમાં યોગદાન આપેલું છે એ એમના બહુઆયામી સર્જક વ્યક્તિત્વની ઓળખ સમાન છે.
વાત વાર્તાની જ કરીએ તો, મણિલાલ પટેલે વાર્તાલેખનની શરૂઆત કરી ત્યારે એમની સામે આધુનિકતાવાદી વાર્તાઓ હતી, એથી એમની સામે મોટો પડકાર એ હતો કે આધુનિકતાવાદી વાર્તાઓ કરતાં જુદી વાર્તા કઈ રીતે લખવી? એમની એક કેફિયતમાંથી એનો જાણે કે જવાબ મળે છે, ‘ટૂંકીવાર્તા દ્વારા હું મારા તળમાં પાછો ગયો છું. વાર્તા દ્વારા હું મારા મૂળમાં જઈને એની સાથેનું સંકુલ અને બહુપરિમાણી જગત છે એનાં પડોને ઉકેલી જોવા ચાહું છું. હું જે ઘર-માટી-સીમ-વગડો-ગામ-વતન-સમાજ પ્રજામાં રહીને ઊછર્યો છું. એના પરિસરમાં રહીને, હું મને, મારી વાર્તાને જીવનસંઘર્ષને પામવા ઓળખવા ચાહું છું.’ આમ, વાર્તાકાર મણિલાલે (અને એમના સમકાલીન વાર્તાકારોએ) તળવતનને – કહો ગ્રામજીવનને – એના વિવિધ પાસાંઓ, પ્રશ્નો, વેદન-સંવેદનને વાર્તારૂપ આપ્યું એના પરિપાકરૂપે – ચાર વાર્તાસંગ્રહ ‘રાતવાસો’, (૧૯૯૪), ‘હેલી’ (૧૯૯૫), ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧) તથા ‘સુધા અને બીજી વાતો’ (૨૦૦૭) એ નામે મળ્યાં. જેમાં ૬૮ વાર્તાઓ ગ્રંથસ્થ છે. એ પછી બીજી વાર્તાઓ સામયિકોમાં પ્રગટ થઈ છે, એટલે લભગ ૭૫ જેટલી વાર્તાઓ મળે છે. ઉપરાંત, આ વાર્તાઓના – જુદા જુદા – ચાર સંચયો જુદા જુદા સમયે થયા છે. આ સંપાદન પાંચમું થશે. આ સંપાદનમાં – ૧૩ વાર્તાઓ પસંદ કરી છે. પ્રયત્ન એવો છે કે વાર્તાઓમાં વાર્તાકારના વિશેષો પ્રગટી રહે – અલબત્ત, પસંદગીના ધોરણને મત બીજા પણ હોઈ શકે, તો એ પણ આવકાર્ય જ તો, અહીં જ સ્પષ્ટ કરું કે અહીં બધી વાર્તાનો વિગતે આસ્વાદ કે મૂલ્યાંકન નથી કર્યું, પણ વાર્તામાં ભાવકનો પ્રવેશ થાય એવા રસસ્થાનોને ચીંધીને ખસી જવું. ‘વાર્તારસ’ વાચકને લેવા દેવો...