વીનેશ અંતાણીએ એમના સાહિત્ય સર્જનનો આરંભ તો કાવ્યલેખનથી કર્યો. પરંતુ એમની સર્જનાત્મક પ્રવૃત્તિ ટૂંકીવાર્તા અને નવલકથામાં વિશેષ ફળદાયી નીવડી.
વીનેશ અંતાણી પાસેથી સાતેક જેટલાં ટૂંકીવાર્તાસંગ્રહો આપણને સાંપડે છે. આ વાર્તાઓને વિષય વૈવિધ્યની દૃષ્ટિએ તપાસતાં એમાં પ્રેમનું વૈફલ્ય, એકલતાનો વિષાદ, વૃદ્ધત્વની વેદનાઓ જેવા વિષયો તેમની વાર્તાઓમાં આલેખાયા છે.
અહીં પસંદ કરેલી વાર્તાઓમાં ‘શ્વાસનળીમાં ટ્રેન’, ‘ફૂંકણી’, ‘સ્ત્રી નામે વિશાખા’, ‘કૌશિકીની વિદાય’ જેવી વાર્તાઓમાં જુદી જુદી રીતે પ્રેમનું વૈફલ્ય અને એમાંથી જ જન્મતો એકલતાનો વિષાદ સહૃદયને અન્યમનસ્કતામાં ગરકાવ કરી દે છે. ‘શ્વાસનળીમાં ટ્રેન’ વાર્તામાં નાયક જેને મનોમન ચાહે છે એજ વ્યક્તિને બીજાને સોંપી દેવામાં એને નિમિત્ત બનવું પડે એવી પરિસ્થિતિ વાર્તામાં આકાર લે છે. સુષિ પોતાની બધી જ વાતો માને છે તે છેક એનાં માટેનાં પાત્રને પસંદ કરવા સુધીની – જે યાત્રા સૂક્ષ્મ કસકથી નાયકે ભોગવવાની આવે છે. સાસરે જતી સુષિમાં વળાવતી વેળા એને લઈ જતી ટ્રેન નાયકની શ્વાસનળીમાં ભરાઈ જતી એ અનુભવે છે. તો ‘ફૂંકણી’ વાર્તામાં નાયક ભીમો પરણેલી દેવલીને અનાયાસ ચાહી બેસે છે. પણ ફૂંકણી કરડવાથી મૃત્યુ પામેલી દેવલી તેને માટે એક સ્વપ્ન જ બની જાય છે...