Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

મણિલાલ હ. પટેલનાં કાવ્યો

હસિત મહેતા


વિભાગ : કવિતા

પંચમહાલનું મધવાસ ગામ
શિયાળાની ટાઢ
ઢળતી સાંજ
કોતરખેતરનો માર્ગ
આચાર્ય પાંડેસાહેબની ઓસરી
સળગતી સગડી
કરસનદાસ માણેકનું એકચિત્ત ધ્યાન
અને
૧૯૬૫-૬૬ના વર્ષોમાં
એક
ઊગું-ઊગું થતી કાવ્યચેતનાને
પોષતાં
કવિનો કાચો-પાકો કાવ્ય પાઠ

 

એ પાઠમાંથી ગરીબો વિશેનું કોઈ એકાદ કાવ્ય કવિ કરસનદાસ સાથે લઈ ગયા, અને પોતાના ‘નચિકેતા’ સામયિકમાં છાપ્યું, ત્યારે કવિ મણિલાલ હ. પટેલનો જન્મ થયેલો. એ ઉંમરનો પડાવ હતો માત્ર ૧૩ વર્ષનો.

આમ તો ઘરની, સમાજની, સંબંધોની અને સગવડોની પારાવાર મુશ્કેલીઓ વચ્ચે ઊછરતો નમાયો છોકરો ટકે તો ટકેય શી રીતે? પણ એને ટેકો મળ્યો કુદરતનો, સાહિત્યનો. કાચી ઉંમરે જ કલાપી અને કાન્ત જેવા કવિઓને વાંચવા મંડ્યો હતો કિશોર મણિલાલ. એ બચાળા જીવને ઘરની જવાબદારીઓ અને ખેતરની કાળી મજૂરી કઠતી, પણ ડુંગરનો ખોળો અને કવિતા ગમતી. ખાસ તો દલપતરામના કાવ્યોએ તેને ઘેલું લગાડેલું અને કલાપીની ભગ્નહૃદયી પ્રણય સંવેદનાએ આકર્ષણ જન્માવેલું. તેથી કવિ મણિલાલની પહેલી પાટી ઉપર દલપતરામની અસરો ઉપસેલી. પણ વાંચવું, સતત વાંચવું અને કુદરતના ખોળે આળોટવું – એવી ધખનાએ કવિને અટકી પડતો અટકાવ્યો. ’૭૦ના દાયકે લખાયેલું ‘આ-ગમન પછી’ સૉનેટ ‘કુમાર’ના પાને છપાયું, અને તે એવું ચમક્યું કે વર્ષની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ સૉનેટના બબ્બે પારિતોષિકો ખેરવી લાવ્યું. આમ તો એ વર્ષોમાં નવી-નવી સગાઈ થયેલી ‘ગોપી’ને જોવા મણિલાલ જમાઈ થઈને સાસરે ચઢી આવેલા, ત્યાં બે દિવસ રોકાયા, છતાં વાગ્દત્તાનું મુખદર્શન તો દૂરની વાત, પીઠદર્શનનો પણ કુમળો લાભ નહોતો મળ્યો એમને. વળતી વાટે એ હૃદયમાં કવિતાનો જે ઝરો ફૂટ્યો, તેણે ‘આ-ગમન પછી’ સૉનેટનું શરીર ધારણ કર્યું. 

         ‘પરોઢે આવેલા સપન સમ આવ્યા, પિયુ તમે
          અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
          કમાડે અંઢેલી નયન જલ રોકી – નવ શકીઃ
          રડી વર્ષે હું વા વિરહ-દુઃખ? જાણી નવ શકી.’
                                     – ‘આ-ગમન પછી’

એ વર્ષો હતા તેમના મોડાસા કૉલેજકાળના, ૧૯૬૮થી ૧૯૭૦ વચ્ચેના. કૉલેજના પ્રો. પ્રાગજીભાઈ ભાંભીએ વર્ગમાં આ સૉનેટ કાળાપાટીયે ઉતાર્યું. ત્યારે પાટલી ઉપર સ્વયં વિદ્યાર્થીવેશે કવિ મણિલાલ વર્ગખંડમાં હાજર. કાવ્યરસદર્શન નિમિત્તે પ્રોફેસરે જ્યારે વર્ગમાં પોતાનું જ કાવ્ય ભણાવ્યું ત્યારે એ વિદ્યાર્થીનો કવિવેશે પ્રવેશ થઈ રહ્યો હતો.

મણિલાલ હ. પટેલનો આ પહેલો કવિ પડાવ. શાળા જીવને કરસનદાસ માણેકને પોતાના કાવ્યપાઠમાં ધ્યાનમગ્ન કરવાનો, અને કૉલેજ કાળે પોતાના પ્રોફેસરને તથા ‘કુમાર’ જેવા પ્રતિષ્ઠિત સામયિકના પૃષ્ઠને આકર્ષવાનો. કવિ જન્મનો આ પહેલો પડાવ મણિલાલ માટે સફળ તો ન રહ્યો, પણ નાટ્યાત્મક જરૂર રહ્યો.

‘કવિતા મારે મન પુષ્પની સુગંધસમ સૂક્ષ્મ વસ છે’ એમ કહેતાં મણિલાલ કવિતાને ‘પ્રોસેસ ઑફ ફિલિંગ’ ગણાવે છે. તેઓ લખે છે કે ‘જે ફિલિંગ્સ છે, તે રચના દરમ્યાન ‘થિકિંગ’થી આગળ વધીને ‘નોઇંગ’ બને છે. સર્જક આ ‘નોઇંગ’ને અનુભવે છે. ભાવ-વસ્તુના અનેક પાસાં-સંદર્ભો એ ભીતરમાં ઊઘડતાં અનુભવે છે, ને શબ્દ રચનાના સંયોજન વડે એ બધું આકાર પામતું આવે છે. છેલ્લાં શબ્દ સાથે ‘નોઇંગ’ને એવું રૂપ મળે છે, જેનાથી કૃતિ એના ભાવાર્થો સાથે પૂર્ણ લાગે છે. આમ ‘ફિલિંગ્સ‘ છે એ ‘થિકિંગ‘ અને ‘નોઇંગ’ દ્વારા રચનાનું ‘બીઇંગ‘ (being) બને છે. ‘નોઇંગ‘ની પ્રક્રિયાને લીધે જ રચના અસ્તિત્વમાં આવે છે. આ પ્રક્રિયા મથાવનારી પરંતુ આનંદદાયી હોય છે. પ્રતિભાબીજ વિના એ શક્ય નથી!’...

અન્ય પુસ્તકો