કવિ નીતિન મહેતા (૧૨.૪.૧૯૪૪ – ૧.૬.૨૦૧૦) તરફથી એમની લગભગ સાડાચાર દાયકાની સર્જન-યાત્રાને અંતે આપણને માત્ર બે જ કાવ્યસંગ્રહ મળે છે અને તેમાંય બીજો તો મરણોત્તર પ્રગટ થાય છે. ‘નિર્વાણ’ (૧૯૮૮)માં ૪૬ કાવ્યો અને ‘અનિત્ય’ (૨૦૧૪)માં ૪૦ કાવ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ આટલાં ઓછાં કાવ્યો આપવા છતાં ગુજરાતી કવિતાના આધુનિક કાળની વાત કરતી વખતે આ કવિનું પ્રદાન અનિવાર્યપણે નોંધવું પડે એમ છે. અહીં પ્રસ્તુત એમનાં કાવ્યોના ચયનમાં પ્રવેશ કરતા સહૃદય ભાવક માટે, આ અનિવાર્યપણાનાં કારણ તેમ જ આ વિધાનની યથાર્થતાનો અથવા તો એમની કવિતાની લાક્ષણિકતાનો પરિચય પ્રસ્તુત કરવો જરૂરી છે.
કવિ નીતિન મહેતાનો કવિતાક્ષેત્રે પ્રવેશ ગુજરાતી સાહિત્યના આધુનિક કાળના આરંભની સાથોસાથ થાય છે એટલે કે ગઈ સદીના સાતમા દાયકામાં. જોકે, સાચો કવિ કે ઉત્તમ કવિતા સમયના કોઈ નામકરણ કે વિભાગીકરણમાં બંધાતો નથી પણ એય સાચું કે તત્કાલીન પ્રવર્તમાન જુવાળથી પ્રભાવિત થયા વિના કોઈ કવિ રહી પણ શકતો નથી; છતાં, ઉત્તેજનાના ઘોંઘાટમાં પોતાનો આગવો અવાજ શોધી એની માવજત કરીને ટકાવી રાખવાનો પડકાર એ સ્વીકારી લેતો હોય છે. આધુનિકતાના પ્રવાહને વેગવંતો રાખનારા મુખ્ય કવિઓ સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, દિલીપ ઝવેરી આદિ વચ્ચે નીતિન મહેતા સભાનતાપૂર્વક, કવિતા પ્રત્યેની ઉત્કટ નિસ્બત સાથે આ પડકાર ઝીલે છે અને સમય જતાં એમાં સફળ પુરવાર થાય છે...