જયદેવ શુક્લ જ્યારે કાવ્યલેખનનો આરંભ કરે છે ત્યારે ગુજરાતી કવિતામાં આધુનિકતાનું વર્ચસ્વ હતું. આધુનિક ગુજરાતી કવિતાનાં ઘણાં મહત્ત્વનાં પરિમાણો પણ સિદ્ધ થઈ ચૂક્યાં હતાં. એટલે એ નવ કવિઓ સામે સર્જનાત્મક ઉન્મેષો દાખવવાના મોટા પડકારો હતા. જયદેવ શુક્લે આ પડકાર પોતાની રીતે ઝીલીને આધુનિકતાનો વિસ્તાર કર્યો. એ દૃષ્ટિએ ‘પ્રાથમ્ય’ની કવિતા ઘણી વિલક્ષણ એ વિશિષ્ટ પૂરવાર થઈ.
‘પ્રાથમ્ય’ ચાર જુદા જુદા કેન્દ્રોથી રચાતી કવિતાનો સંચય છે. પ્રકૃતિ માટેનું આકર્ષણ, તીવ્ર રતિઝંખના, લલિતકળાઓના સંદર્ભો અને સ્વ-ઇતિહાસ જેવાં ચાર મુખ્ય કેન્દ્રોની આસપાસ રચાતી ‘પ્રાથમ્ય’ની કવિતા તેમાંની સંવેદનશીલતા અને ઇન્દ્રિય સંતર્પકતાને લીધે પ્રભાવક બની છે.