Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

પન્ના ત્રિવેદીની વાર્તાઓ

સંધ્યા ભટ્ટ


વિભાગ : ટૂંકી વાર્તા

યુવાવયમાં જ સર્જનની શરૂઆત કરનાર પન્ના ત્રિવેદી તેમની બાવીસની ઉંમરે દસ વાર્તાઓનો સંગ્રહ ‘આકાશની એક ચીસ’ (૨૦૦૨) આપે છે. વાર્તાના વિષય અને રચનારીતિની પાયાની સભાનતા અહીં જોઈ શકાય છે. ‘દૃષ્ટિ’ એ આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે. ૨૦૦૯માં ‘રંગ વિનાનો રંગ’ ઓગણીસ વાર્તાઓ સાથે પ્રગટ થાય છે. આ સંગ્રહની અને સમગ્રપણે કહીએ તો પછીની પણ મોટાભાગની વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. પિયરમાં ભારે હોંશથી રહેવા આવતી સ્ત્રીનું ભ્રમનિરસન (નિકેતને માલૂમ થાય કે), આપઘાત કરવા જતી સ્ત્રીને બીજી સ્ત્રીની સ્થિતિ જોયા પછી લાધેલી સમાજ (ઉત્સવ), શહીદની પત્નીનું મનોગત (શહીદીનું સુખ), અવૈધ સંબંધ ધરાવતી માનો દીકરી પર ચોકીપહેરો (બળાપો), ‘પતિતા’ કહેવાતી સ્ત્રી અને સજ્જન પુરુષ વચ્ચેનો નામ વગરનો મમતાળુ સંબંધ (કજરીનો બાબુ) – વાર્તાકારની વાર્તા કહેવાની કલા ભાવકને પાત્રોની રસમય સૃષ્ટિનો આનંદ આપે છે. અહીં ચયન કરેલી ‘એક અ-શીર્ષક વાર્તા’ના કેન્દ્રમાં પુરુષપાત્ર છે. રચનારીતિ અને કથયિતવ્યની દૃષ્ટિએ આ વાર્તા જુદી તરી આવે છે. લગ્નેતર સંબંધ વિષે પત્નીને ખબર પડી ગયા પછી પત્નીનો પત્ર વાંચવાની હિંમત ન કરી શકનારોે પતિ પત્ર ગજવામાં લઈને ટ્રેનમાં બેઠો છે. દ્વિધાગ્રસ્ત નાયકની મનોદશા ટ્રેનના ડબ્બામાં ચાલતી ગતિવિધિની સમાંતરે આલેખાય છે. નાયકને આ લોકાલમાં મૂકીને વાર્તાકારે કલાત્મકતા સિદ્ધ કરી છે. વાર્તાને અંતે ‘રિઝર્વેશન’ શબ્દનો લક્ષ્યાર્થ પણ આનંદ આપી રહે છે.

૨૦૧૪માં પ્રકાશિત ‘સફેદ અંધારું’ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, ‘માનવને નિતનવા રૂપે જોઉં છું અને મારો વિસ્મયલોક વિસ્તરતો જ રહે છે... સમયે સમયે ચિત્તતંત્રને ડહોળી નાખે તેવું પ્રશ્નવૃક્ષ પાંગરતું રહે છે રાતદિન... ઉત્તરને શોધતી હું એક એક પર્ણ વાર્તારૂપે કહું છું પણ કહેવાનું તો બાકી જ રહી જાય છે.’ (પૃ. ૫) અહીં પણ બહુલતા તો સ્ત્રીપાત્રોની જ છે. એસિડએટેકનો ભોગ બનેલી યુવતી સાથે સમાજનું ક્રૂર વર્તન દર્શાવતા વાર્તાકારનું સમસંવેદન સ્પર્શી જાય છે. લખાયું છે, ‘ધાનીને થયું કે અબઘડી તેજાબ નાખનારના ચહેરા પર રેડીને એને કહે કે ચહેરો ન હોવાની પીડા કોને કહેવાય? કચરો જોઈને લોકો થૂંકી પણ નાખે. આ તો થૂંકવાને લાયક પણ ન કહેવાય? બળતરાના અંધકારનો રંગ કાળા રંગથી યે બદતર! (‘સફેદ અંધારું’, પૃ. ૧૫) ‘ન્યૂઝ રૂમ’ એ ન્યૂઝરીડર માધવી સક્સેનાની વાર્તા છે. પતિ સુકેતુ દ્વારા ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસને અત્યાર સુધી બનાવટી હાસ્ય ચીપકાવીને મેક-અપથી છુપાવતી આવેલી માધવી એક સમાચારમાંથી પ્રેરણા(?) લઈને સુકેતુનું ખૂન કરી નાખે છે અને પોતાની સાથીદાર માટે ન્યૂઝ ક્રિએટ કરતી જાય છે...

author

સંધ્યા ભટ્ટ

વધુ જાણો

સંધ્યા ભટ્ટ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો