અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં નોખી ભાતની વાર્તા લખતાં મનોહર ત્રિવેદી પાસેથી આપણને બે વાર્તાસંગ્રહો મળે છે : ‘ગજવામાં ગામ’ (૧૯૯૮) અને ‘નાતો’ (૨૦૧૦). એ સિવાય થોડી વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલી છે. આ બધી વાર્તાઓની સંખ્યા ગણતાં ભાગ્યે જ પચાસે પહોંચે. પોતે જ કહે છે, તેમ વાર્તા ઓછી લખાય છે પરંતુ જે લખાઈ છે તે નિબિડ અંધારામાં ઝળહળતા દીવડાની શગ જેવી છે.
પોતાને જનપદના જીવ તરીકે ઓળખાવતા આ વાર્તાકારે જે નોખી કેડી ચીતરી છે, તેનાં મૂળમાં છે સાવ નોખાં વિષયવસ્તુ, મુખ્ય ઘટના સાથે જોડાતી જતી અન્ય સામગ્રી, કહેવતો, મહાવરાઓ અને તળપદી લહેકાઓનો યોગ્ય ઉપયોગ, ગોહિલવાડી બોલીની તાજગી, ક્યાંક વ્રતકથાનો ઉપયોગ, સબળ પાત્રસૃષ્ટિ અને વિશેષ તો ઊઘડતું આવતું પાત્રોનું આંટીઘૂંટીવાળું મનોજગત, રમયિતાળ અને મલોખાં જેવી હળવીફૂલ કનથશૈલી અને રમણીય ફૂલગંથૂણી જેવી રચનારીતિ...