નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના પ્રથમ સોપાન સ્વરૂપે નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન, ‘સ્વાધ્યાયલોક’ (૮ ભાગમાં) આપની સમક્ષ પ્રસ્તુત છે. હવે પછી ‘બૃહત છંદોલય’, ‘ચિત્રાંગદા’ (સંવર્ધિત આવૃત્તિ), વર્ષોથી અપ્રાપ્ય ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સાહિત્યચર્યા’ તેમ જ નિરંજન ભગત સંપાદિત અન્ય સાહિત્ય ઇત્યાદિ એકત્રના માધ્યમ દ્વારા પ્રસ્તુત થશે. ભવિષ્યમાં શ્રાવ્ય (ઓડીઓ) પુસ્તકો પ્રસ્તુત કરવાની યોજના પણ છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.
નિરંજન ભગત
નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.
‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.
‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
નિરંજન ભગત રચિત અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
-
-
ઇબુક
વસ્તુસંખ્યાકોશ
-
-
-
-
-
ઇબુક
યજ્ઞેશ દવેનાં કાવ્યો
-
ઇબુક
અપરાજિતા
-
-
-
ઇબુક
વેવિશાળ