40 પ્રકરણોનાં 600 જેટલાં પાનાંમાં વિસ્તરેલો આ મૂલ્યવાન વ્યાકરણ-ગ્રંથ એક રીતે તો ગુજરાતી ભાષાનો સર્વગ્રાહી ઇતિહાસ આપવા સાથે બોલાતી ભાષાનું વર્ણન આપે છે. ભાષાની ઉત્પત્તિ, ભાષાના પ્રકારો, ગુજરાતીનો વિકાસક્રમ, વ્યુત્પત્તિ, અભિધા આદિ શબ્દશક્તિઓ, ભાષાશૈલી, અલંકાર, ગદ્યપદ્યવિચાર, છંદ-વૃત્તવિચાર – એવા વ્યાપ સાથે એમણે ગુજરાતીના વ્યાકરણનાં સંજ્ઞા, લિંગ, વચન, વિભક્તિ, ક્રિયાપદ, વાક્ય-પૃથક્કરણ; તથા સમાસ, વિરામચિહ્નો, વગેરેનો અસંખ્ય ઉદાહરણો સાથે વિગતે આલેખ આપ્યો છે.
જોડણી ઉચ્ચારણ-અનુસાર કેમ નથી થતી, લેખકો-વિદ્વાનોમાં પણ ભાષા-જોડણી અંગે કેવી અરાજકતા પ્રવર્તે છે, તથા કયા શબ્દો ભેગા કે છૂટા લખવા – એવાં મહત્ત્વનાં ચર્ચા-નિરૂપણોમાં પણ એ ગયા છે. ગ્રંથને અંતે અન્ય સૂચિ સાથે શબ્દવ્યુત્પત્તિદર્શક સૂચિ આપવા સુધીની શાસ્ત્રીય બચોકસાઈ એમણે દાખવી છે.
કમળાશંકરે આ વ્યાકરણ તૈયાર કરવામાં બીમ્સ, હોર્નેલ, ગ્રિયર્સન, ભાંડારકર વગેરેનાં અંગ્રેજી વ્યાકરણો અને ભાષા-ઇતિહાસોના ગ્રંથોનું તેમજ ભટ્ટોજી દીક્ષિત, પતંજલિ, ભર્તૃહરિ, હેમચંદ્ર વગેરેના સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણાદિ ગ્રંથોનું પરિશીલન કરેલું છે, તથા સ્પષ્ટ અને વિશદ નિરૂપણ માટે સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત મરાઠી, સિંધી, ઉત્કલી, બંગાળી, પંજાબી, અરબી-ફારસીમાંથીય અનેક દૃષ્ટાંતો આપ્યાં છે. સંસ્કૃતની વ્યાકરણ-પરંપરાને કેન્દ્રમાં રાખનાર આ લેખક વાક્ય-પૃથક્કરણાદિમાં અંગ્રેજી વ્યાકરણ-પરંપરાને અનુસર્યા છે.
છેક 1919માં લખાયેલું પણ આજેય અનેક વિગતો માટે પ્રસ્તુત બને એવું આ ખૂબ જ વિશદ રીતે લખાયેલું વ્યાકરણ એ પછીનાં ગુજરાતી વ્યાકરણો માટે એક ઉત્તમ પ્રતિમાન બનેલું છે.
એક મોટા ફલક વાળા સંદર્ભગ્રંથ તરીકે, આપણને જ્યારે જે મુદ્દા વિશે જાણવું જરૂરી બને ત્યારે ઉપયોગી થઈ પડે એવા આ પુસ્તકમાંથી પસાર થવું ગમશે.
– રમણ સોની