Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ

પ્રભુદાસ પટેલ


વિભાગ : ટૂંકી વાર્તા

ધરમાભાઈ શ્રીમાળી અનુઆધુનિક સમયના પ્રતિષ્ઠિત વાર્તાકાર છે. ‘સાંકળ’ (૧૯૯૭) વાર્તાસંગ્રહથી જ વાર્તા સાથે પૂરી નિષ્ઠા-નિસબતથી પનારો પાડનારા આ સર્જક પાસેથી ‘સાંકળ’ ઉપરાંત ‘નરક’ (૨૦૦૩), ‘રવેશ’ (૨૦૦૫), ‘ઝાંખરું’ (૨૦૧૨) અને ‘પીઠી’ (૨૦૧૬) જેવા વાર્તાસંગ્રહો સાંપડ્યા છે. આ વાર્તાસર્જનોમાંથી પસાર થયા પછી અચૂક પ્રતીતિ થઈ આવે કે, વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીને મુખ્ય અને દલિત બન્ને ધારાઓમાં વાર્તા રચવાની સારી ફાવટ છે. અને ૧૯૯૭થી શરૂ થયેલી તેમની વાર્તા સર્જનયાત્રા, તેમના છેલ્લા પડાવ ‘પીઠી’ સુધી પહોંચતાં વાર્તાના વસ્તુવૈવિધ્ય, પાત્રગત મનોયંત્રણાઓનું કલાત્મક નિરૂપણ, રચનારીતિમાં મૌલિક અને પોતીકી યુક્તિ-પ્રયુક્તિઓના વિનિયોગ અને સર્જનાત્મક ભાષાકર્મ વગેરેમાં ખાસ્સો વિકાસ અને પરિપક્વતા પમાય છે.

‘સાંકળ’, ‘રવેશ’ અને ‘પીઠી’ જેવા વાર્તાસંગ્રહોમાં મોટેભાગે મુખ્ય ધારાની વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. ‘સાંકળ’માં સ્ત્રી-પુરુષ સંબંધોની વાર્તાઓ વિશેષ છે, પરંતુ સર્જક દૃષ્ટિકોણ અને સૂક્ષ્મ માવજત રૂપે યોજાયેલા પાત્ર-માનસના ભાવપલટાઓને લીધે કલાત્મક અને વિશિષ્ટ ભાવ સંવેદનની રચનાની છાપ અંકિત કરે છે. જોકે બધી રચનાઓમાં આ બધું શક્ય નથી બનતું પરંતુ ‘સાંકળ’, ‘સણકો’, ‘મહારાજ’, ‘ભવાઈ’ અને ‘વીંછુડો’ જેવી વાર્તાઓ તેના નવ્ય વિષયવસ્તુ, વસ્તુગૂંથણી, સંકેતો તથા બોલી માવજતની દૃષ્ટિએ સર્જક ધરમાભાઈ શ્રીમાળીને સજ્જ વાર્તાકાર તરીકે સ્થાપે છે. ‘રવેશ’ની વાર્તાઓમાં વિષયવસ્તુનું નાવીન્ય વિશેષ છે. વિષયવસ્તુની મનોવિશ્લેષણાત્મક ઢબે વસ્તુગૂંથણી, પરિવેશ નિરૂપણ તથા પરિવેશમાંથી જ સંકેતો નીપજાવવાની સર્જકની ફાવટને લીધે આ સંગ્રહની ‘રવેશ’, ‘વસવાટ’, ‘રાવણ’, ‘આંતરસેવો’, ‘કૂબો’ અને ‘છેલ્લું ટાણું’ જેવી વાર્તાઓ સ્મરણીય બની રહે છે. તો ‘પીઠી’ વાર્તાસંગ્રહમાં માનવમનની આંટીઘૂટી, સંયુક્ત કુટુંબ તથા પારિવારિક સ્નેહને તાગતી રચનાઓ વિશેષ છે. તો ‘છોડ’, ‘જમણવાર’, ‘લોહી’, ‘મેળો’, ‘વળાંક’ તથા ‘છત્રી’ જેવી વાર્તાઓમાં વર્ણભેદ અને દલિત જીવનના પ્રશ્નો-સમસ્યાઓ નિરૂપાયાં છે. આ વાર્તાઓમાં ‘છોડ’ નૂતન દલિત ચેતનાની દૃષ્ટિએ, ‘પછડાટ’ પાત્રના મનઃ સંચલનોના નિરૂપણ તથા ચુસ્ત વસ્તુબંધની દૃષ્ટિએ, ‘પૂર્વજ’ પાત્રના ભાવસંવેદના તથા ગ્રામ્ય જીવનની શ્રદ્ધા-આસ્થાઓના વાસ્તવિક નિરૂપણને લીધે, તો ‘વળાંક’ વાર્તા તેની રસપ્રદ સંનિધિને લીધે ગમી છે...

author

પ્રભુદાસ પટેલ

વધુ જાણો

પ્રભુદાસ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો