નરસિંહ મહેતાનાં પદો હસ્તપ્રતોમાં સચવાતાં રહ્યાં છે એ સાથે જ, વર્ષોથી લોકકંઠેને અનેક ભજનમંડળીઓમાં ગવાતાં રહ્યાં છે. ઉત્તમ લોકપ્રિય કવિ હોવાથી કેટલાંક પદો એમને નામે ચડતાં રહ્યાં ને એમ ઉમેરો થતો ગયો. નરસિંહ નામે પ્રચલિત જે પદો જ્યાંથી પણ મળતાં ગયાં એ ઈ.૧૮૮૪થી ઇચ્છારામ દેશાઈએ સંઘરવા માંડેલાં. એમ ૫૦૦૦ જેટલાં પદો ભેગાં થયેલાં. એમાંથી પોતે ચૂંટેલાં ૧૭૦૦પદોનો એમણે આ બૃહદ સંગ્રહ તૈયાર કરેલો એ એમના અવસાન(૧૯૧૨) પછી ઈ.૧૯૧૩માં એમના અભ્યાસી પુત્રોએ પ્રકાશિત કર્યો.
હવે તો લગભગ અલભ્ય બની ગયેલા આ આરંભકાલીન સંગ્રહનું એક મોટું દસ્તાવેજી મૂલ્ય તો છે જ. પણ ઇચ્છારામ માત્ર સંગ્રાહક ન હતા, સંશોધકદષ્ટિ વાળા પણ હતા. “ધૂળધોયાના બે બોલ નામની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે ધૂળધોયાનો ધંધો કરીને (આ) રત્નો શોધી કાઢ્યાં તે પાછાં ખોવાઈ ન જાય એટલા માટે જ આ સંગ્રહમાં તેનો અસ્તવ્યસ્ત ઢગલો કર્યો છે. બાકી સંશોધક તરીકે એ જૂનામાં જૂની હસ્તપ્રતનું મૂલ્ય સમજતા હતા, ‘આ સર્વ પદો નરસિંહનાં?' એવો પ્રશ્ન પણ એમને થયેલો. પણ વિદ્વાનો સાથેની ચર્ચા છતાં નરસિંહના કર્તુત્વ વિશે કોઈ નિર્ણય થઈ શકેલો નહીં. એ પછી ઘણા વિદ્વાનોએ સંપાદનો કર્યા પણ આજ સુધી એ સમસ્યાનો નિવેડો આવ્યો નથી, છેક ૧૯૯૭માં, હસ્તપ્રતો પરથી નરસિંહના માત્ર ૧૦૮ પદોનું સંપાદન કરનાર જયંત કોઠારીને પણ નરસિંહના કર્તુત્વનો પ્રશ્ન પૂરેપૂરો ઉકેલાવાનો હજુ બાકી છે” એમ કહેવું પડ્યું છે, ત્યારે ભાવિ સંશોધકો માટેના એક તથ્ય-સંગ્રહ તરીકે પણ આ સંગ્રહ અત્યંત ઉપયોગી છે. મુદ્રિત રૂપે હવે એ સુલભ કરવો શક્ય નથી એ સંજોગોમાં સર્વ-ઉપયોગી આ ઈ-પ્રકાશન ઉપકારક નીવડશે.
આ સંપાદન શાસ્ત્રીય પદ્ધતિએ થયેલું છે : લાંબી અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના, વિવિધ વિષયવિભાગોમાં પદ-વિભાજન (જેમ કે દાણલીલા, વસંતનાં પદો), પરિશિષ્ટ, પદ પાઠાંતરો, શુદ્ધિવૃદ્ધિ અને પદના પહેલા શબ્દ મુજબ સર્વ પદોની વર્ણાનુક્રમણિકા – એને એક ઘાટ આપે છે. અભ્યાસ-સંશોધન ને આનંદ-વાચન બંને માટે આ સંગ્રહમાં પ્રવેશીએ.
– રમણ સોની