નવલરામના અવસાન પછી, એમના સમગ્ર લેખનકાર્યને એકત્ર કરીને ને એનું વિભાગ-અનુસાર સંકલન કરીને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ઈ.1891માં આ ‘નવલગ્રંથાવલિ’નું પ્રકાશન કરેલું.
1300 ઉપરાંત પૃષ્ઠોના આ ગ્રંથમાં નવલરામનાં નાટકો, કાવ્યો, વાર્તા, અનુવાદો પહેલા ખંડમાં છે; ખંડ-2માં ગ્રંથ-સમીક્ષાઓ, ગ્રંથકારો વિશેના લેખો; ખંડ-3માં શિક્ષણ-વિષયક લખાણો અને 4થા ખંડમાં સામાન્ય જ્ઞાન વિશેનાં લખાણો છે.
સમાજ-સુધારક નવલરામનાં કાવ્યો-નાટકોમાં હાસ્ય-કટાક્ષદ્વારા તે સમયના સમાજના કુરિવાજો, દંભો, રૂઢિગ્રસ્ત વલણો પરના પ્રહારો છે. મુખ્યત્વે એમણે તે સમયે પ્રકાશિત થયે જતાં પુસ્તકોની મિતાક્ષરી તેમજ વિગતવાર સમીક્ષા કરી છે ને નર્મદ વગેરે કેટલાક સમકાલીન લેખકો વિશે તથા પ્રેમાનંદ વિશે પણ ઝીણવટથી ને તટસ્થ બુદ્ધિથી લખ્યું છે. એ ઉપરાંત, તત્કાલીન શિક્ષણની બાબતો તથા શિક્ષણ-વિચાર અંગેનાં વ્યાપક લખાણો એમણે કર્યાં છે ને સામાન્ય જ્ઞાનના – ભૂગોળ, આરોગ્ય-રક્ષણ, નાયગરા ધોધ, વગેરે જેવા વિષયો પર પણ એમની કલમ ચાલી છે. નવલરામની પ્રજ્ઞા કેટકેટલી દિશાઓમાં પ્રસરી છે એનો આના પરથી અંદાજ આવી શકશે.
નવલગ્રંથાવલિ આ પછી દોહનો રૂપે ને સંપૂર્ણ રૂપે પ્રગટ થતી રહી છે પણ એનો મૂળ સ્રોત ગોવર્ધનરામનું આ સમગ્રલક્ષી સંપાદન છે. આ સંપાદનનું એક મહત્ત્વનું ઘટક એ છે કે ગોવર્ધનરામે આ સંપાદનમાં 90 પાનાંની ‘રા. નવલરામ લક્ષ્મીરામની જીવનકથા’ આલેખી છે.
– રમણ સોની