Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

દૃશ્યાવલી

ભોળાભાઈ પટેલ


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

પુસ્તકમાં લાંબાં ભ્રમણવૃત્તોને બદલે ટૂંકાં પ્રવાસકથનો છે એ લલિત નિબંધનો પણ એક વિશેષ આહ્લાદ આપે છે.
 
હિમાલયની એક વિશિષ્ટિ ગિરિમાળા કૂર્માંચલ (કુમાઉ)નાં વિવિધ સ્થાનકો – નૈનિતાલ, રાનીખેત, બિનસર, કૌસાનીના આનંદવિહારોને લેખકની સૌંદર્યદૃષ્ટિ ઉલ્લાસથી આલેખે છે. ત્યાં એક શિખર સૂર્યોદય માટે જાણીતું છે. લેખક નિબંધને શીર્ષક આપે છે : ‘હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી’! સૂર્યના ઉદયની ક્ષણોનું આલેખન કરતાં લખે છે –પૂર્વની એક પહાડી પાછળથી સૂર્ય ડોકાયો.. પછી લખે છે – શિખરો પરથી પ્રકાશ ઢાળ પર પણ ઊતરે છે. સૌંદર્ય દર્શનની આ આખી વળાંકરેખા (કર્વ) બહુ આસ્વાદ્ય છે.
 
પ્રવાસનાં સ્થળોનું ફલક કેટલું તો મોટું છે – કુમાઉના પહાડોથી કોઈમ્બતુર સુધી, કલકત્તાથી ખેડબ્રહ્મા સુધી, ચિત્તોડગઢથી (દેશ કૂદી જઈને) જર્મનીની રોમન્ટિક સિટી હાઈડેલબર્ગ સુધી!
લેખકને તે તે સ્થળે ફરતાં સાહિત્યસ્વામીઓ અચૂક યાદ આવ્યા છે! – કૌસાનીમાં સ્વામી આનંદ, રોમમાં કીટ્સ, હાઈડેલબર્ગમાં કવિ ગેટે…
 
પુસ્તકનો પાછલો ભાગ અમેરિકા-પ્રવાસને નિરૂપે છે. ત્યાંનાં નાયગરા અને ગ્રાણ્ડ કેન્યાન જેવાં વિખ્યાત સ્થાનોની સાથે વેસ્તાલ અને દેન્દૂર જેવાં અલ્પપરિચિત સ્થળોને પણ એમણે પોતાની વિસ્મયદૃષ્ટિથી અજવાળ્યાં છે.
 
લાસ વેગાસનાં ભવ્ય જુગારથાનકો જોઈને ભોળાભાઈને આપણા યુધિષ્ઠિર યાદ આવી જાય છે એ કેવું રસપ્રદ છે!
 
તો આવા રસપ્રદ પુસ્તકમાં પ્રવેશવા સ્વાગત છે…
author

ભોળાભાઈ પટેલ

વધુ જાણો

ભોળાભાઈ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો