મનોહર ત્રિવેદી ગુજરાતી કવિતાનું એક ઊર્જાવાન કવિનામ છે. ‘મોંસૂઝણું’ (૧૯૬૭)થી લઈને ‘ઘર છે સામે તીર’(૨૦૧૬) સુધી અને પછી પણ અદ્યાપિપર્યંત સામયિકોના પૃષ્ઠો પર તેમની કવિતાનો શબ્દ નરવો ઉજાસ લઈને પ્રકટ થતો રહ્યો છે. તળપદ અને જનપદ જીવનને જીવનાર આ સર્જકનો જન્મ અમરેલી જિલ્લાના હિરણા ગામે તારીખ ૪ એપ્રિલ, ૧૯૪૪માં થયો હતો. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું નાનું એવું ગામ સુરનિવાસ તેમનું વતન. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ ગામડાની વિવિધ સંસ્થાઓમાં જ થયું, અસલ ગ્રામજીવનનો સંસ્કાર લઈને આવતી તેમની કવિતાઓમાં આ ગ્રામીણ પરિવેશનો પ્રભાવ જોઈ શકાય છે. ઘરમાં ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘ભાગવત’ના’ પાઠ-વાંચનની પરંપરાનો સંસ્કાર, મા-માનકુંવરબા ઉપરાંત અડોશ-પડોશની સ્ત્રીઓનાં કંઠે સાંભળેલાં ભજનો, લીકગીતોનો લયસંસ્કાર, વ્રતો-ઉત્સવો દરમિયાન કાનમાં ઝીલાયેલો કથા-વાર્તાઓનો સંસ્કાર – એમ વિધવિધ સંસ્કારોથી મનોહર ત્રિવેદીની સર્જકતા ઘડાતી રહી. સાવરકુંડલા તાબાના ખડસલી ગામની નિવાસી લોકશાળામાં નવમા ધોરણમાં ભણતા કિશોર મનોહર ‘દિલેર’ ઉપનામે ‘કવિ’ તરીકે જાણીતાં થઈ ગયા હતા. પ્રસિદ્ધ કવિ મીનપિયાસી સાથે શાળામાં જ ત્રણ સપ્તાહનો સહવાસ મળતાં કવિ મનોહરને કાવ્યકલાની કૂંચીઓ હાથવગી બની. એ સમયનાં એમનાં બીજાં શિક્ષકોએ પણ સાહિત્ય અભિમુખ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લોકભારતી સણોસરામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લીધાં પછી તો પ્રતિભાવાન અધ્યાપકોની સંનિધિમાં જીવનધર્મી સાહિત્યસંસ્કારનો વારસો કેળવાતો ગયો. વાચનમાં પણ પરિપક્વતા આવતી ગઈ. લોકશિક્ષણ અને કાવ્યશિક્ષણના પાઠ સર્જક-વ્યક્તિત્વમાં સહજ રીતે ઘૂંટતા ગયાં. લોકભારતીમાંથી સ્નાતક, માંગરોળથી તાલીમી સ્નાતક થયાં પછી સાવરકુંડલામાં મહિલા અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે જોડાયા. રાજકોટ પાસે વિનય મંદિર કસ્તુરબાધામ, ત્રંબામાં થોડાં વર્ષ શિક્ષક તરીકે કાર્ય કરીને આર. જે. હાઈસ્કૂલ, ઢસામાં શિક્ષક તરીકે સુદીર્ઘ સેવા આપીને ઈ.સ. ૨૦૦૦ની સાલમાં નિવૃત્ત થયાં. એ દરમિયાન ગુજરાતી વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી અનુસ્નાતક અભ્યાસ પણ કર્યો. આમ, મનોહર ત્રિવેદીની વિદ્યાયાત્રા અને કાવ્યયાત્રા સમાન્તરે વહેતી રહી, કવિતા, વાર્તા, નિબંધ, લઘુનવલ, બાલકવિતાઓ અને બાલકથાઓ વિવેચન તેમજ સંપાદનની પ્રવૃત્તિ નિજી નિસબતથી કરતાં રહ્યાં છે. મનોહર ત્રિવેદીની સર્જકતા ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ વડે સમયાન્તરે વિવિધ પુરસ્કારો- પારિતોષિકોથી સન્માનિત થતી રહી છે. વર્ષ ૨૦૧૫માં મનોહર ત્રિવેદીની કવિપ્રતિભા ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ’થી પોંખાઈ છે તે આનંદ અને ગૌરવની ઘટના છે. કવિના જીવન અને સર્જન-પરિબળો સંદર્ભે આટલી નાની ભૂમિકા પછી હવે તે કવિતાઓની સંગત માણીએ.