૧૯૮૦ના વર્ષના કોઈક દિવસે જૂના સચિવાલયની કેન્ટિનમાં લંચ લેતી અમારી સાહિત્યપ્રેમી મંડળીમાં એક આકર્ષક વ્યક્તિત્વવાળા અજાણ્યા યુવાને પોતાની ઓળખ આપતાં કહ્યું, ‘મને પણ સાહિત્યમાં ઊંડો રસ છે.’ એ પહેલા પરિચય પછી મારી સાથે એનો તાર સંધાયો. એકવાર એના ઘેર નાનકડા, ખુલ્લા ખાનામાં ગણી શકાય એટલાં પુસ્તકો જોયા, એમાં એણે વીસ વર્ષની વયે વસાવેલું સાર્ત્રનું ‘બીઈંગ ઍન્ડ નથિંગનેસ’ જોઈને સુખદ આશ્ચર્ય થયું. પછી તો એની સાથેની વાતોમાં ગુજરાતી, હિન્દી સાહિત્યકારો સાથે વિશ્વસર્જકોના લોકમાં પણ આંટો મરાવતો. હજુ વાર્તાકાર થવાને ચાર વર્ષ બાકી હતાં, પણ જગ-વાર્તાઓમાં સેલારા મારતો. મને થયું આ માણસ સજાગ લેખક થશે. પછી તો એની, એટલે કે, કિરીટ દૂધાતની વાર્તાઓ વાંચતાં પ્રતિતી થઈ કે, આપણી ભાષાના આત્મમુગ્ધ લેખકોમાં એની વિદ્વત્તાથી એ જુદો પડતો હતો.
ગાંધીનગર, સરકારી નગરમાં સાહિત્યપ્રીતિથી જોડાયેલા મંડળ ‘બૃહસ્પતિ સભા’માં કિરીટે ૧૯૮૪માં એની પહેલી વાર્તા ‘બાપાની પીંપર’ વાંચી. ત્યાં વાંચતાં પહેલાં મને અને હર્ષદ ત્રિવેદીને સંભળાવી હતી. અમે બંનેએ રાજી થઈને એને હિંમત આપી, બૃહસ્પતિ સભામાં વંચાયેલી એની એ વાર્તા, એમના સટીક વિવેચનથી હરિકૃષ્ણ પાઠકે અને સહુએ આંતરસૂઝથી વખાણી...