આ આખ્યાન પ્રેમાનંદનાં બધાં આખ્યાનોમાં ઉત્તમ અને રમણીય ગણાયું છે. એ નાનું છે, સુઘડ છે, એક જ કથાપ્રસંગ પર રચાયેલું છે.
નિર્ધન નરસિંહ મહેતા, ઈશ્વર પરની દૃઢ શ્રદ્ધાથી પુત્રી કુંવરભાઈનું મામેરું ઉત્તમ રીતે પાર પાડે છે. એ મુખ્ય પ્રસંગના પેટાપ્રસંગો અને પાત્રો છે : મહેતાની ભક્તિ અને નિર્ધનતાનો ઉપહાસ કરતી ટિખળખોર પણ નિષ્ઠુર ને અભિમાની નાગરી નાત, એવાં હીણાં સાસરિયાં અને પ્રેમાળ નિર્દોષ પિતા વચ્ચે – શ્રદ્ધા અને સંદેહની ફડક વચ્ચે પીસાતી કુંવરબાઈ, પરમ નિઃસ્પૃહ પણ પુત્રીવત્સલ ભક્ત નરસિંહ, એમને સહાય કરવા શેઠ-શેઠાણીનું રૂપ લઈને આવતાં વિષ્ણુ અને લક્ષ્મી. આવાં વિવિધ ચરિત્રો, ઉપહાસ-ઉચાટ-રાહત-આનંદ રૂપે બદલાતી જતી પરિસ્થિતિઓ, હાસ્ય-કરુણ-અદ્ભુતના રસપલટા, પ્રસંગોને આબેહૂબ તાદૃશ કરતું ને બહેલાવતું કથાકારનું કૌશલ તેમ જ લયની, પ્રાસની, રાગઢાળની, શબ્દોની ને એમના માર્મિક અલંકરણની સુંદરતાથી સોહતું કવિનું સર્જનકર્મ –એ બધું પ્રસન્ન કરનારું અને તે સમયના શ્રોતાઓની જેમ જ આજના વાચકને પણ રસ-તરબોળ કરનારું બન્યું છે.
આખ્યાનનો કથન-પ્રવાહ એવો અસ્ખલિત છે કે કાવ્ય આરંભથી અંત સુધી આહ્લાદક આનંદ આપે છે.
તો, હવે કાવ્યમાં પ્રવેશીએ –
(કાવ્ય વિશે આસ્વાદલક્ષી વિગતવાર વાત આ આખ્યાનકાવ્ય પૂરું થયા પછી કરી છે.)
– રમણ સોની
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ