‘‘બુંદબુંદની સૂરત નિરાલી’’
દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્ઘોષો....
છેલ્લાં ૧૫૦ વર્ષોથી ચાલતાં રહેલાં ને પોતાનો આગવો ચહેરો ઉપસાવતાં રહેલાં ગુજરાતી સામયિકોનાં પાનાંમાંથી ઊંચકેલા ઉદ્ગારોના આ મેળામાં સાંભળો કે–
કોઈ વિચક્ષણ સંપાદક પોતાનો આગવો અનુભવ કંઈક હળવાશથી કહી રહ્યો છે, કોઈ વળી પોતાના ગંભીર સંકલ્પને રજૂ કરી રહ્યો છે, ક્યાંક વેદનાની રેખાવાળાં પણ દૃઢતાથી ઉચ્ચારેલાં વિદાયવચનો છે; કોઈ વાચક પોતાનો આનંદ કે કોઈ પોતાના અસંતોષનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે, કોઈ વિચારક કોઈ સામયિકની બેકાળજી વિશે ટકોર કરે છે તો કોઈની સૂઝભરી સંપાદક-કુનેહને સલામ કરે છે; ક્યાંક કોઈ લેખક સંપાદકનાં સમજ અને શ્રમની સરાહના કરે છે તો ક્યારેક કોઈ સામયિકની અનિયમિતતા વિશે ફરિયાદ કરે છે; તો કોઈ નિશ્ચયી સંપાદક વળી લેખકના પ્રમાદથી થતી મુશ્કેલીઓની આપવીતી સંભળાવે છે. કેટકેટલી જગાએ ઉત્તમ સામયિકના કાર્યની ઉચિત પ્રશંસા છે, મૂલ્ય-અંકન પણ છે! તો કોઈ ઊંચે અવાજે કોઈ સામયિકની ઢીલાશને વખોડી કાઢે છે.....
અહીં ઠાવકીઠાવકી વાતો કરતાં તો સ્પષ્ટ તીવ્ર અવાજો જ વધારે છે. લેખકવાચકવિવેચકસંપાદકના જાતજાતના મિજાજો ને લાક્ષણિક છટાઓ અહીં વાંચી શકાય છે એટલું જ નહીં, એમને બોલતા સાંભળી શકાય છે ને એમના હાથની, ચહેરાની અનેક મુદ્રાઓ જાણે જોઈ શકાય છે!
તો, દિવસો સુધી અભ્યાસ-પરિશ્રમવાળી રઝળપાટ કરીને સંચિત કરેલા આ રસભર્યા તેમજ દ્યુતિભર્યા ૨૦૦ ઉપરાંત વિચારશીલ ભાતીગળ ઉદ્ઘોષોના આ વિશ્વમાં પ્રવેશવા સૌને નિમંત્રણ છે.
કવિ બાલમુકુંદ દવેએ ગાયેલું એમ –
સમદર સભર સભર લહેરાય;
બુંદબુંદની સૂરત નિરાલી...
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ