ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી-અંતર્ગત, ગુજરાતીના પહેલા વિવેચક નવલરામનાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ પણ વિશેષ મહત્ત્વનાં લખાણો પસંદ કર્યાં છે.
એ લેખોને ૩ વિભાગોમાં રજૂ કર્યા છે : કાવ્યશાસ્ત્રની તથા સાહિત્યનાં રૂપો-સ્વરૂપોની ચર્ચા કરવા સાથે પિંગળ અને નાટકશાળા(થિયેટર) પર પણ નવલરામનું ધ્યાન ગયેલું છે, વળી સાહિત્યના શિક્ષણમાં, તથા સ્વ-ભાષામાં એક શિક્ષક-વિવેચક તરીકે એમને રસ પડે એ પણ સ્વાભાવિક હતું. પહેલા વિભાગમાં એવા લેખોમાંથી કરેલું ચયન મૂક્યું છે. બીજા વિભાગમાં ગ્રંથકારોના પ્રદાન વિશેના લેખો છે.
નવલરામનું જે પ્રધાન વિવેચક-કર્મ એ ગ્રંથાવલોકનો. એમણે બહોળા પ્રમાણમાં કરેલાં અવલોકન/સમીક્ષામાંથી અહીં મૌલિક ગ્રંથો પરના લેખો સાથે અનુવાદગ્રંથો પરના એમના લેખો પણ પસંદ કર્યા છે. પસંદગીનાં ટૂંકાં અવલોકનો પછી, તત્કાલીન પુસ્તક-પ્રકાશનનું એક વ્યાપક પણ ચિકિત્સક ચિત્ર આપતો લેખ ‘ગુજરાતી પુસ્તકવૃદ્ધિ’ મૂક્યો છે તથા નવલરામની હાસ્ય-કટાક્ષની શક્તિનો પરિચય કરાવતું – પણ સમજ-સજ્જતા વિનાની લખવા-વૃત્તિની ચિકિત્સા કરતું એક જાણીતું ચર્ચાપત્ર ‘ઓથારિયો હડકવા’ પણ મૂક્યું છે. એ જાણે કે કાલિદાસકથિત ‘મન્દઃ કવિયશઃપ્રાર્થી’ એવા સર્વ કાળના ને આજના લેખકોને પણ લાગુ પડે છે!
કથા અને ચરિત્રકેન્દ્રી કેટલાંક પુસ્તકો પરના લેખોમાં નવલરામે, એમના સમયના વ્યાપક વાચકવર્ગ માટે, વિસ્તૃત કથાસાર આપ્યા છે. એવા થોડાક લેખોમાંથી સાર-ભાગો સંપાદિત કરી લીધા છે.એ સ્થાનો [...] એવી સંપાદકીય નિશાનીથી દર્શાવ્યાં છે.
નવલરામના પૂર્વ-સમકાલીન નર્મદે પણ વિવેચન અંગે અભિજ્ઞતા દાખવેલી. એ ઐતિહાસિક તથ્યને જાળવવા, પરિશિષ્ટરૂપે નર્મદનો એક જાણીતો લેખ ‘ટીકા કરવાની રીત’ નવલરામના કાર્યના પૂર્વસંદર્ભ તરીકે મૂક્યો છે.
છેલ્લે, નવલરામના વિવેચનનો વધુ પરિચય ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે એક નાની સંદર્ભગ્રંથસૂચિ પણ જોડી છે.
આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ(૨૦૦૬)નો ઉપયોગ કર્યો છે. કેટલીક વિગતોની વધુ સ્પષ્ટતા અને ઉમેરણ માટે ગોવર્ધનરામ ત્રિપાઠીના સંપાદન(૧૮૯૧)ની મદદ લીધી છે.
– રમણ સોની
વડોદરા; ૨૦મી મે, ૨૦૨૪
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ